હું એક ગૃહિણી છું અને છેલ્લા સાત વર્ષથી એક ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને રૂ. 8000ની એસઆઈપી ધરાવું છું. હવે મારે બાળકોની શાળાની ફી ભરવા માટે રૂ. 40,000ની જરૂર છે. શું મારે મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સ વેચવા જોઈએ? મારે કેટલો ટેક્સ ભરવો પડશે? મારે પર્સનલ લોન લેવી કે યુનિટ્સ વેચવા જોઈએ?
એક વર્ષ કરતા વધારે હોલ્ડિંગના ગાળા પછી ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ વેચવામાં આવે તો તે લોંગ ટર્મ ટેક્સને આધિન હોય છે અને ઇન્ડેક્સેશનના લાભ વગર 10 ટકા કેપિટલ ગેઇન્સ ટેક્સ લાગુ પડે છે. તેથી તમે અત્યારે ફંડના યુનિટ્સને કોઈ એનએવી પર વેચવાનો વિચાર કરો ત્યારે તેના પર 10 ટકા લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ લાગુ થશે તેની ગણતરી રાખજો. અહીં એ યાદ રાખવું જરૂરી છે કે કરદાતા માટે એક વર્ષમાં રૂ. એક લાખ સુધીના કેપિટલ ગેઇન્સને મુક્તિ મળે છે અને તેના પર ટેક્સ લાગુ થતો નથી. તેથી તમે 40,000 રૂપિયાના યુનિટ્સ વેચો (તમે બીજી કોઈ લોંગ ટર્મ કેપિટલ એસેટ વેચી નથી તેવું ધારી લેતા) તો આવા યુનિટ્સના વેચાણ પર કોઈ ટેક્સ લાગુ નહીં થાય.
આ ઉપરાંત તમારી પાસે પૂરતા સંસાધન હોય તો તમારે પર્સનલ લોન લેવી ન જોઈએ. પર્સનલ લોનમાં એક નિશ્ચિત રકમ ભરવાની હોય છે જ્યારે ઇક્વિટી લક્ષી મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સમાં ક્યારેય નિશ્ચિત આવક હોતી નથી. તેથી મારા મત પ્રમાણે બાળકોની સ્કૂલની ફી ભરવા માટે તમારે પર્સનલ લોન લેવાના બદલે મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સ વેચવા જોઈએ.
(કરિશ્મા શાહ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને સ્ટાર્ટ-અપ્સના કન્સલ્ટિંગ સીએફઓ છે. અહીં વ્યક્ત થયેલો અભિપ્રાય વ્યક્તિગત છે.)