ભારતીય ક્રિકેટ ટીમે સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરના નિધન પર શોક વ્યક્ત કરવા માટે વેસ્ટ ઈન્ડિઝ સામેની તેમની પ્રથમ ODIમાં હાથ પર કાળી પટ્ટીઓ બાંધી હતી. ટીમે તેમની યાદમાં તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરતી વખતે એક મિનિટનું મૌન પણ પાળ્યું હતું. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતની 1000મી ODI રમી રહી છે.
“ભારતીય ક્રિકેટ ટીમ આજે ભારત રત્ન લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપવા માટે કાળી પટ્ટીઓ બાંધી છે, જેઓ રવિવારે સવારે તેમના ગોલોકવાસી બન્યા હતા. ધૂન કી રાની લતા દીદી ક્રિકેટને પ્રેમ કરતી હતી, હંમેશા રમતને સમર્થન કરતી હતી અને ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરતી હતી,” BCCIએ રવિવારે ટ્વિટ કર્યું.
સુપ્રસિદ્ધ ગાયિકાએ 92 વર્ષની વયે રવિવારે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા હતા. કોવિડ-19 અને ન્યુમોનિયાથી પીડિત થયા બાદ 8 જાન્યુઆરીએ તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે તે કોવિડમાંથી સ્વસ્થ થયા હતા. પરંતુ શનિવારે તેની તબિયત બગડતાં વેન્ટિલેટર સપોર્ટ પર મૂકવામાં આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે લતા મંગેશકરની યાદમાં બે દિવસનો રાષ્ટ્રીય શોક મનાવવામાં આવશે. રાષ્ટ્રધ્વજને પણ બે દિવસ સુધી અડધી ઝુકાવવામાં આવશે અને રાજ્ય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લતા મંગેશકરની સારવાર કરી રહેલા ડૉ. પ્રતત સમદાનીએ આજે જણાવ્યું હતું કે, “ઘણા દુઃખ સાથે જણાવવામાં આવે છે કે લતા મંગેશકરનું સવારે 8:12 વાગ્યે નિધન થયું છે. 28 દિવસથી વધુ સમય સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યા બાદ કોવિડ-19ના કારણે તેમનું મૃત્યુ થયું છે.”